Wednesday, June 20, 2007

મારા ક્વન..મારા ગીત.. Amit Kalariya Web Developer 0 9426784167 Jivapar(Ch.) 363630 Morbi

કવિતામાં એ હવે અવરતરતી નથી.
ગઝલનું રુપ હવે ધરતી નથી.
સાવ મુંગી થઇ ગઇ છે આ લાગણી,
હું ઢંઢોળું તોયે સળવળતી નથી.
કવિતામાં એ હવે અવરતરતી નથી

માથે મટુકી મહીંની મેલી,છાતીએ ચીતરાવી મોર
ઉર્વશી મેનકાને શરમાવે એવી,અહીરની ક્ન્યાનો ક્લશોર.
મહીં લ્યો કોઇ મહીં સાદ દેતી નથી…
કવિતામાં એ હવે અવરતરતી નથી

ઘેરદાર ઘાઘરામાં નથી અંબરનો વૈભવ,ગોરી કાયાથી ગયું છુંદણાનું કામણ.
ઓઢણીની કોરે ચીતરેલા કાન કુંવરને,તુંટ્યું કીનખાબી ક્મખાનું સગપણ.
વાલાને વઢીને કે”જો કે”તી નથી…
કવિતામાં એ હવે અવરતરતી નથી

ઘમ્મર વલોણાનો ઘુંઘવતો નાદ ગયો,કડલા કાંબીને જેરનો નિનાદ ગયો.
ગયા હાથ વાયરાને પગપાન ગયા,હૈયે રમતા”તા સદાએ કાન ગયા.
ધરણીની ધ્રુજાવે એમ રાસ રમતી નથી….
કવિતામાં એ હવે અવરતરતી નથી

*************

ગઝલ ગુંજતી સરગમ
પ્રણયની દિવ્યવાણી
ગઝલ રેશમી મોઘમ
મિલનની કહાણી

ચાંદની રાતનો વૈભવ
મદહોશ જવાની
ગઝલ વાસંતી વાયરો
મહેકતી રાતરાણી

ધરા ગુર્જરીને ખોળે
શબ્દની સરવાણી
યમુનાની ગહેરાઈ
ગઝલ ગંગાનું પાણી

ગઝલ સરકતી સરિતા
ઉછળતા મોજાનું પાણી
ભીની માટીની ખુશ્બો
જેમ શ્વાસોમાં ગુંથાણી

પુરી રદીફ કાફીયાના ચીર
એને છંદથી સજાવું
ગઝલ અમારે મન
મારી રાજરાણી

*************

ઘેલું ગોકુળ થયું ઘેલા ગોવાળીયા થઈ ગઈ ગોપી સૌ ઘેલી.
શ્વવાસે શ્વાસમાં ભરી શું કામ રાધાને ? શ્યામ બંસરીમાં વહેતી મે”લી!

લાજ શરમ સૌ નેવે મુકી દઈ તુજ સંગ નાચી હતી અલબેલી.
હજી વાટ નીરખે છે યમુના તટ પર હજી નેણમાં છે અશ્રુની હેલી.
શ્વવાસે શ્વાસમાં ભરી શું કામ રાધાને ? શ્યામ બંસરીમાં વહેતી મે”લી!

એને અંગઅંગ વાગે છે વાસંતી વાયરોને રેશમીયો લાગે છે તડકો.
આસમાની ઓઢણીના આભલામાં ચમકે કાન હજી તારા થવાનો અભરખો.
જગતનો નાથ થઈને બેઠો ભલે ના થયો એક અબળાનો બેલી !
શ્વવાસે શ્વાસમાં ભરી શું કામ રાધાને ? શ્યામ બંસરીમાં વહેતી મે”લી!

***************
ઘેરાતી આંખોમાં સપના ભારને ઉંચકીને કયાં સુધી ચાલુ ?
એક તાંતણે ગુંથેલા સબંધના તારને ખેંચીને ક્યાં સુધી ચાલુ?

વૈશાખી વાયરામાં ઉડે ધુળની ડમરી નેણમાં ખુંચે કણ ક્ણ
ધોમધખતા તડકાના સમ દઈ દઈ કોઈ વેણમાં બાંધે ક્ષણ ક્ષણ
કોયલના ટહુકાને અવગણી ભાઈ હું કેમ કરી વસંતને મ્હાલું ?
ઘેરાતી આંખોમાં સપના ભારને ઉંચકીને કયાં સુધી ચાલુ ?

અષાઢી વાદળા ઘેરાશે નભમાં નવી કુંપળો ફુટશે મનમાં
ભીંજાશે ધરતીનું અંગ અંગને પછી ઉજળૉ ઉઘાડ નીલ ગગનમાં
ભીની માટીની સોડમ શ્વાસમાં ભરી ભાઈ હું, મુજમાં મુજને જીવાડું!
ઘેરાતી આંખોમાં સપના ભારને ઉંચકીને કયાં સુધી ચાલુ ?

*********************

No comments: